વરસાદ પછીનો ઉઘાડ

Archive for સપ્ટેમ્બર 2010

-જિગર જોષી ‘પ્રેમ’

આ નાચમનાચમાંથી આપણે નીકળી જવાનું છે,
પદારથ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધેથી વાળીચોળીને કરો અસ્તિત્વને ભેગું!
ખૂણા ને ખાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

જરા મૂશ્કેલ છે કિન્તુ, ચહો તો થઇ શકે ચોક્ક્સ,
સમયની ચાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધાની જેમ એણે પણ તમોને છેતર્યા તો છે!
અરીસા-કાચમાંથી આપણે નીકળી જવાનું છે.

તમે ધાર્યા મુજબ ક્યારેય પણ આકાર ના પામ્યા,
જીવનની ટાંચમાંથી આપણે નીકળી જવાનું છે.
-ડો મનોજ જોષી ‘મન’

એક સદી વટાવી ચૂકીને, અનુભવોના કંઇ કેટલાયે આયામો સર કરીને, આજે “ગઝલ” લોકપ્રિયતાના સર્વોત્તમ શિખરે બિરાજમાન છે. એક ગઝલકાર તરીકે મને ભારોભાર ગૌરવ છે આ વાતનું. કૃત્રીમ રીતે ચિતરાયેલી અથવા જાણી જોઇને ઊભી કરેલી “અણગમો સર્જતી અમાસ”ને નખશિખ ડામી દેવા “ગઝલ” પાસે આજે પોતીકો સક્ષમ અજવાસ છે, એક નોખું અજવાળું છે. “ગરજ” નામના તમામ વાદળો હવે “ગઝલ”નામના ચંદ્રમા સામેથી હટી ગયા છે અને પૂનમના ચાંદની જેમ સાહિત્યના આકાશમાં ઝળહળી રહી છે ગઝલ.

આ નાચમનાચમાંથી આપણે નીકળી જવાનું છે,
પદારથ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે,

તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં આ કવિ ગઝલના મરીઝ છે. ગઝલની શરુઆત જ જાણે અદકેરી થઈ છે. જુઓ “નાચમનાચ” જેવો શબ્દ-પ્રયોગ વ્યંગ, કટાક્ષ છતાં ધારદાર રીતે અહીં પ્રયોજાયો છે. કવિ પોતે નોખી જ દ્રષ્ટિ લઇને આસપાસના વાતાવરણને જીવતો હોય છે. જિંદગી જાણે “નાચમનાચ” છે. આપણે કઠપુતળી છીએ. કોઇ દોર ખિંચે અને આ નાચમનાચ શરું. એક સક્ષમ અફસોસ છે કે આપણાથી કૈંજ થઈ શકતું નથી-જઝૂમવા સિવાય!
ઉલા મિસરામાં “નીકળી જવાનું” જે આદર્શ સૂચન છે એ સનાતન સ્વિકાર્ય ત્યારે જ બને જ્યારે સાનિ મિસરામાં “ક્યાંથી નીકળી જવાનું છે?” એ વાત નક્કી થાય. જવાબમાં કવિ “પાંચ પદારથ” માંથી નીકળી જવાનું ચિત્ર આપણી સમક્ષ સ્પષ્ટ કરે છે. પણ આ પાંચ પદારથ ક્યાં? પવન, પ્રકાશ, પાણી…. યાદ આવ્યુંને? આપણે સાથે કૈંજ લાવ્યા નથી તો શું ખંખેરીને ઊભા થવાના સાહેબ? નિષ્કર્શ તો આખર એ જ કે…પદારથ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધેથી વાળીચોળીને કરો અસ્તિત્વને ભેગું!
ખૂણા ને ખાંચ માંથી આપણે નીકળી જવાનું છે.

આગળ કવિ નવા શે’રમાં ફરી નવો નિર્દેશ કરે છે “અસ્તિત્વ સમેટવાનો”. આપણે ક્યાં ક્યાં જીવીએ છીએ, કોની- કોની સાથે કેટકેટલું “Share” કરીએ છીએ, આપણી અધુરપને કોની તૃપ્તતા સાથે મેચ કરીએ છીએ, કોના ખાલીપાને આપણે ઉછેર્યા છે…આ અને આવું બધું જ યેન કેન પ્રકારેન આપણાં અસ્તિત્વનો જ ભાગ છે. એક એવા ટાણાનો કવિ ઉલ્લેખ કરે છે જ્યારે બધું જ સમેટવાનું હોય. આપણી સમગ્રતાને સંપૂર્ણત: નામશેષ કરવાની ઉમદા વાત ગૂઢ રીતે છૂપાઈ છે. ખાંચ જેવો કાફિયા બ-ખૂબી નિભાવ્યો છે. ‘દિવ્યતા’ને પણ વિચાર કરવા પ્રેરે એવી નાવિન્યસભર વાત છે અહીં. “ખૂણા ને ખાંચ” એ કોઇ ઓરડા, એરકન્ડિશન્ડ ઓફિસ કે મંદિર-મસ્જિદ જેવા સ્થાયિ સ્થૂળ વિસ્તારની વાત નથી. કવિ તો એથી આગળ વધીને કહે છે કે મન-હ્રદયના ખૂણેથી પણ નીકળી જવાનું છે. દિશાશૂન્ય, દશાશૂન્ય, શ્વાસશૂન્ય તો ખરું જ ખરું પણ આ તો અસ્તિત્વશૂન્યની વાત છે સાહેબ. કવિ વાચક-ભાવકને જુદા જ વિચાર-બ્રહ્માંડમાં લૈ જાય છે આ શે’રથી.

જરા મૂશ્કેલ છે કિન્તુ, ચહો તો થઇ શકે ચોક્ક્સ,
સમયની ચાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

સમયને વિષય તરીકે પ્રયોજીને ઘણાં ગઝલકારોએ મુરસ્સા અને મુસલસલ ગઝલો આ અગાઉ પણ કહી છે. પણ વાત તો` નવી રીતે મૂકવાની છે. શ્વાસ લેવોય ક્યાં સરળ છે ? આ બધું જીવવા માટે તો છે. શ્વાસ ટકાવવાની આ રેસ અપંગને પણ દોડાવે છે છતાં શબ્દ-સાધક કોઇને હવામાં લટકાવીને નિકળી નથી જતો. જુઓ! આ શે’રમાં આશાવાદ નરી આંખે દેખાય-વંચાય છે. “ચહો તો થઇ શકે ચોક્ક્સ” એવું વિધાન યોજીને નિજી શક્તિનું પ્રાણ-પ્રાકટ્ય કરાવે છે. આ ‘પ્રાણ-પ્રાકટ્ય’ થયા પછીનું કપરું કાર્ય છે ‘સમયની ચાંચ’થી સરકી જવાનું. જાત સાથે ગોઠડી માંડતા કવિ પોતાનો જ વાંસો થાબડીને એક લક્ષ્ય નક્કી કરે છે કે સમયની ચાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધાની જેમ એણે પણ તમોને છેતર્યા તો છે!
અરીસા-કાચમાંથી આપણે નીકળી જવાનું છે.

સ્વપ્ન, અરીસો અને હ્રદય એ એવા કૂળમાં જન્મ્યા છે, એવી કુંડળી લઇને અવતરણ પામ્યા છે કે જેમના ભાગ્યમાં જ તૂટવાનું લખાયું છે! બરફને વારસામાં આવ્યું પિગળવાનું, ફૂલોને આવ્યું ઉઘડવાનું ને અરીસાને સત્યતાના દર્શન કરાવવાનું એટલે કે હોય એવું સ્પષ્ટ દેખાડવાનું. અહીં આજનો માનવી સહજતાથી તાદ્રશ્ય થયો છે. ભઇ ! અરીસો તો કેમ છેતેરી શકે!? માનવી કેટકેટલા મોહરા પહેરી જીવે છે, શ્વાસ પણ ઉછીના ને હોવાપણાના ભાસ-આભાસ પણ ઉછીના! હવે દ્રષ્ટિ પર કોઇ અજાયબ ચશ્મા ચડાવી વિહરી રહ્યો છે માનવી! પોતાની જાતને પણ આરસીમાં સાચી રીતે જોઇ નથી શકતો. ભારોભાર કરુણા ! અહો! પ્રભુ! વૈચિત્રમ્ વૈચિત્રમ્ ! બધી જ છેતરામણમાંથી નીકળી જવાની વાત છે. અહીં કવિએ કાફિયા સંદર્ભે એક નાની છૂટ લીધી છે. શરુઆતથી જોઇએ તો પાંચ, ખાંચ, ચાંચ આ બધા અનુસ્વારવાળા કાફિયા સાથે કાચ કાફિયા પ્રયોજાયો છે. આ છૂટ જો નકારી શકાઇ હોત તો વધારે આનંદ થતે! ખેર! ગઝલમાં “કવિત્વ” હોવું, પ્રગટાવવું એ જ અંતિમ ધ્યેય! ને કવિત્વ પ્રગટાવવામાં કવિ ક્યાંય પાછા નથી જ પડ્યા. સલામ છે…

તમે ધાર્યા મુજબ ક્યારેય પણ આકાર ના પામ્યા,
જીવનની ટાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બહોત અચ્છે! ડોક્ટર સહેબ! ઇશ્વર આપણને જ્યોત થવાનું શિખવે, પ્રકાશ કેમ ફેલાવવો એ વાતથી વંચિત રાખે! “આગળ ખાડો છે સંભાળજે, ડાબી બાજુ દિવાલ છે ચેતજે” એમ દ્રશ્ય વિશે તમામ માહિતી આપે પણ આંખ ન આપે! એ આપણી મર્યાદાઓ પાસેથી પણ ઉત્તમ કામ લઈ લે છે એ આશ્ચર્ય આહલાદક અને સુખદ છે! છતાં હોવાપણાનો મોટામાં મોટો અફસોસ આપણી ધારણા, ગણતરી પ્રમાણે કૈંજ નથી થયા-ની જાણકારી. આખરે હાથ શું લાગે છે ? કૈંજ નહી…! જો આપણી ગણતરી પ્રમાણે આકાર ન મળતો હોય તો એવી ટાંચમાંથી “નીકળી જવાનું” જ બહેતર છે.

આમ આખીય રચનામાં સક્ષમ કાફિયા-રદિફનું પ્રયોજન, ફ્રેશ કલ્પનો, આકર્ષતા ભાવ-નાવિન્યો અને ગઝલની પ્રાથમિક શરત એવી ગહનતાને બ-ખૂબી આ કવિ નિપજાવી શક્યા છે. હજી ભવિષ્યમાં બળકટ રચનાઓ એમના તરફથી મળતી રહે એજ અભ્યર્થના સાથે અસ્તુ.

(આ ગઝલ વિશે નિરાંતે અને ઊંડાણપૂર્વક શ્રી રાજેશવ્યાસ મિસ્કીન સાથે વાત થઈ ત્યારે એમણે એક બહુ જ સૂક્ષ્મ અને સક્ષમ સુચન કર્યુ કે જો “આ નાચમનાચ” શબ્દની જગ્યાએ “બધા આ નાચ” શબ્દ પ્રયોજાયો હોત તો ગઝલની ગરીમા ઔર નિખરતે…)

-જિગર જોષી ‘પ્રેમ’
[વ્હાલ વાવી જોઇએ : લે. ગૌરાંગ ઠાકર, પ્રકાશક: સાહિત્ય સંગમ, પ્રથમ આવૃત્તિ – 2૦10, મૂલ્ય રૂ. 6૦/-]

ગઝલને અને સુરત પ્રદેશને પહેલેથી જ ઘરોબો રહ્યો છે. કંઇ કેટલાયે શબ્દ-સાધકો એ પ્રદેશમાંથી આવ્યા અને સુરતની “સૂરત”ને વધુ પ્રભાવક્તા બક્ષી, વધુ ઉજ્જવળ બનાવવા સુયત્નો કીધાં અને એમાં ભારોભાર પાર પણ ઉતર્યા. એટલે એવા ઉચ્ચ-ઘરાનામાંથી આવતા, “એ પરંપરા”માંથી આવતા કોઇ નવા વારસદાર પાસેથી સાહિત્યજગતને અદકેરી અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. આવી અપેક્ષામાં સક્ષમરીતે પાર ઉતરેલા ગઝલકાર એટલે શ્રી ગૌરાંગ ઠાકર. “વ્હાલ વાવી જોઇએ” એકરીતે “શબ્દ-પંચમ” છે. અને કે’વાય છે કે પંચ ત્યાં પરમેશ્વર. આ શબ્દ-પંચમમાં સૌપ્રથમ આ સંગ્રહને સત્કારતા પરમ વંદનીય પૂ. શ્રી મોરારિબાપુ એમ લખે છે કે “કવિતા તો સરિતા છે. એ બે કાંઠાની વચ્ચે પણ હોય અને પૂર આવે ત્યારે અતિક્રમે પણ. યુવા કવિઓમાં વિશ્વસામગ્રીમાંથી અબોટ વાતો પકડાતી જોઇને વિશેષ રાજી થાઉં છું.”

વિષય વૈવિધ્યની સાથોસાથ છંદો વૈવિધ્ય વિસ્તારવું એ કવિની પોતીકી આવડત છતી કરે છે. નવા રદીફો સાથે કામ પાર પાડવાની ખેવના, કાફિયાઓને નાવિન્યતાસભર વાતાવરણમાં મૂકવાનો રોમાંચ અને શે’રમાં નવા પ્રાણ પૂરવાની અથાગ મહેનત જ એક ઉત્તમ રચનાને જન્મ આપે છે. આ કવિ ઉક્ત વાતથી સુપેરે પરિચિત છે જ. અને એટલે “કામિલ” જેવા બહુ જૂજ કવિઓ દ્વારા ખેડાયેલા છંદમાં પણ આ કવિએ હાથ અજમાવ્યો છે અને શેરીયત સિધ્ધ કરી છે જુઓ:
હું તો માત્ર શ્વેત લકીર ને તમે સાત રંગનો સાથિયો, હું ભળી શકું બધાં રંગમાં, મને બેઉ હાથે મિલાવજો. પૃ.11

શબ્દ-પંચમમાં આગળ વધીએ તો કવિ શ્રી ગૌરાંગ વિશે ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ આદરણીય શ્રી ભગવતીકુમાર શર્મા એમ નોંધે છે કે“ગઝલના માધ્યમ પર તેમની પૂરી પકડ છે. ગઝલ સર્જન પરત્વે તેમની સભર નિષ્ઠા છે અને ગઝલપ્રકારની બધી વિશિષ્ઠતાઓને પૂરી સમજણથી નાણીને ગંભીરતાપૂર્વક તેઓ ગઝલ સર્જન કરતા રહ્યા છે.” સરળ ભાષા, સૂક્ષ્મ અને સક્ષમ વિચાર આયોજન, સુસ્પષ્ટ નિરિક્ષણ શક્તિ તથા અર્થપૂર્ણ નાવિન્ય” એ એમની સર્જનક્ષણોના કેન્દ્ર સ્થાને હોય એવું આ સંગ્રહમાંથી પસાર થતા મને અનેકોવાર લાગ્યું છે. જુઓ એનું એક ઉમદા ઉદાહરણ…

એક તો તારો મને પર્યાય દેખાતો નથી
ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
એક માણસ ક્યારનો આંસૂ લૂછે છે બાંયથી,
આપણાંથી તોય ત્યાં રૂમાલ દેવાતો નથી. પૃ. 03

શબ્દ-પંચમની એ કડીને ફરી આગળ જોડીએ તો “વ્હાલની વાવણી” કરતાં-કરતાં પ્રસ્તાવનામાં ડો. રશીદ મીર આ ગઝલકારને પોંખતા એમ લખે છે કે “ઇશ્વર પાસે શબ્દસાધક બનવાની આવી નોખી દીક્ષા માંગનાર ગૌરાંગ ઠાકરને ઇશ્વરે તથાસ્તુ કહી દીધું છે”

વરસાદ તું પણ આજ હવે મન મૂકીને પડ,
એક જણ જતું ‘તું ઘર, હવે રોકાઇ ગયું છે. પૃ. 17

“તથાસ્તુ” કહીને ઇશ્વરે આ કવિને તાકાત આપી દીધી છે શે’રમાં પ્રાણ પૂરવાની. પાને-પાને નવા ઉઘાડ લાવતો અને શબ્દે શબ્દે અદકેરું પાંગરતો આ કવિ મુશાયરાઓમાં પણ એટલો જ જામે છે. શબ્દ-પંચમનો ચોથો મહત્વનો પડાવ એટલે મુંબઇના યુવા કવિ શ્રી હીતેન આનંદપરા. મુંબઇની વિખ્યાત કલા સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (આઇ.એન.ટી.) દ્વારા શયદા એવોર્ડ-2009ની જાહેરાત થઇ એ સંદર્ભને ધ્યાને લેતા કવિમિત્ર શ્રી હીતેન આનંદપરા આ પુસ્તકમાં લખે છે કે “ગઝલના વિશાળ ગામમાં પોતાનું પાકું ઘર બાંધવાનો અવસર મળે એ દરેક નવા ગઝલકારની ઇચ્છા હોય છે. આ ગઝલકારની એ ઇચ્છા ફળી એ આનંદની વાત છે.” પોતીકા અનુભવોના ચશ્મા વડે નવી રીતે દ્રશ્યો જોવાની પ્રેરણા આ કવિ પાસેથી લેવા જેવી ખરી.

તમે બારીમાં ઉભા રહિને કીધી છાંયડાની વાત,
અમે વાંસા ઉપર તડકો જુઓ ચોગાનમાં લીધો. પૃ. 47

અને શબ્દ-પંચમની અદકેરી કડી જોડતાં કેન્દ્રસ્થાને કવિ પોતે વ્હાલ વાવવાની વાત કરે છે. એટલે આમ શબ્દપંચમ રચાયું એ એક સુયોગ છે. “વ્હાલ વાવી જોઇએ” સાહિત્ય જગતના વર્તમાન પ્રવાહમાં નોખી મુદ્રા ઉપસાવનારો છે એમ કહેવું અતિ આવશ્યક થઈ પડે એટલી સક્ષમતાથી આ કવિએ કલમ ચલાવી છે. આ સંગ્રહને અઢળક વ્હાલ મળે એ જ અભ્યર્થના સાથે અસ્તુ.

-જિગર જોષી ‘પ્રેમ’ 

[એક પીછું હવામાં તરે છે : લે. હિતેન આનંદપરા, પ્રકાશક: ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. પ્રથમ આવૃત્તિ – ૨૦૦૮, મૂલ્ય રૂ. ૧૦૦/-]

 ‘એક પીછું હવામાં તરે છે’ એ હિતેન આનંદપરાનો સ્વતંત્ર કાવ્યસંગ્રહ છે. કવિતાના ક્ષેત્રમાં ‘હિતેન આનંદપરા’ એ સભાનપણે ઊગી ચૂકેલો સૂરજ છે. બહુ ઓછા કવિઓ આપબળે આ ક્ષેત્રમાં પોતીકો અજવાસ પાથરી શક્યા છે અને કવિ શ્રી હિતેન એમાંના જ એક છે. કવિવર શ્રી સુરેશ દલાલ આ કવિ માટે એવું લખે છે કે કવિતામાં હિતેન પાસે વૈવિધ્ય પૂરતું છે. લખવું એને માટે આદતનું કામ નથી. એ ઘૂંટીને લખે છે 

 આ કવિ ઘૂંટીને લખે છે એટલે જ એની કવિતામાં એક નોખી તાજગીનો અહેસાસ સતત વરતાયા કરે છે. “કવિતા”ના બે મૂળભૂત અંગો ઊંચાઇ અને ઊંડાઇ આ કવિ સુપેરે પામિ શક્યા છે-એ વાતનો ભારોભાર આનંદ છે. “એકદમ નિખાલસ ચહેરો, કાનને ફરજિયાત એ તરફ ઝૂકવું પડે એવો મીઠો અવાજ” એના વ્યક્તિત્વને ઔર નિખારે છે.

મુંબઇ જેવા દોડતા શહેરમાં વસવાટ કરવા છતાં આ કવિએ એની કલમમાં ‘શાંતચિત્ત’નું વાતાવરણ બ-ખુબી ઉપસાવ્યું છે. ફ્લેટની આબોહવા વચ્ચે રહીને પણ પ્રકૃતિને ભરપૂર ચાહવાનો લુત્ફ આ કવિ ઉઠાવે છે. ક્યાંક બચપણની એ ગલિઓમાં આપણને ઉઘાડા પગે લઇ જવા કોશિષો કરે છે, તો ક્યાંક કિશોરાવસ્થાની નવી વ્યાખ્યાઓ આપણી સમક્ષ ચિતરી આપે છે. ક્યાંક મૂછના દોરા જેવા યુવાન કલ્પનો જન્માવે છે, તો ક્યાંક “જિંદગીનું છેલ્લું સ્ટેશન” એટલે કે વૃધ્ધાવસ્થાને પણ ખૂબ સૂક્ષ્મતાથી આપણી આંખમાં, કોઇ સપનાની જેમ વહેતું મૂકી આપે છે. એક રવાનગી છે આ કવિ પાસે વાતાવરણ રચવાની ! આ કવિ ગઝલમાં ‘ચોમાસા’ની જેમ ખૂબ ભીંજાવી દે છે, તો ગીતોમાં ‘શિયાળા’ જેવી ઠંડક આપે છે અને ગદ્યકાવ્યોમાં આપે છે ઉનાળામાં ખિલેલા ગુલમ્હોર જેવી ઐશ્વર્યતા ! કોઇ એક કવિ પાસેથી બહુ ભાગ્યે જ આવી સક્ષમતાભરી વૈવિધ્યતા સાંપડી શકે છે. આ કવિએ સ્વભાષાને ગૌરવ અપાવ્યું છે એમ કહેવું અતિશયોક્તિ ભર્યુ નથી લાગતું. આવો, તમને રૂ-બ-રૂ કરાવું એમની કાવ્ય-યાત્રાથી….

 જેટલી દુનિયામાં ભલમનસાઇ છે
એ બધીયે ઝાડમાં સચવાઇ છે                           (પૃ. 14)

ખુદથી અળગા થઈ ખુદાને ચાહવાનું કર શરુ
જગને છોડી જાતને સમજાવવાનું કર શરુ                 (પૃ. 10)

વધુ પડતી વિકસતી ડાળ છું, ખુદ ઝાડને નડુ
દયા રાખ્યા વગર તુર્ત જ મને થડથી કરો અલગ        (પૃ. 11) 

ન થોપો આપણાં સિધ્ધાંત સંતાનો ઉપર સદા
નવી હોડીને થોડી વાર તો સઢથી કરો અલગ            (પૃ. 11)

 એક ચકલીનું અનાયાસે ખભે બેસી જવું,
એક ક્ષણ પંખી થયાનો પણ ગજબ ઉન્માદ છે.            (પૃ.12)

 સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસ્માર પેટીમાં,
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે            (પૃ. 16)

એકદમ તાજા ખિલેલા ફૂલને સ્પર્શે પવન,
એ અદાથી જો તને થોડું અડ્યો તો શું થયું ?            (પૃ. 27)

 આ કવિ ક્યાંક ‘સખી’ રદિફ લઇને દીર્ઘ ગઝલ સરજે છે, તો ક્યાંક ગીતોમાં ભગવા રંગોના લસરકા મારીને એક નોખુ જ કેનવાસ આપણી નજર સામે મૂકી આપે છે. આ કવિના ગીતોની પંક્તિનો ઉપાડ વાચક-ભાવકને સહજ વાંચવા માટે પ્રેરે એવો છે. જુઓ…હરિ તમારી કિટ્ટા,  અચરજ દૂર સુધી દેખાય, પાણી વહેતું જાય નદીનું, સગડ મળે જો તારા, સહજ તને હું સ્મરું, જેવી ભગવા રંગી-ફિલોસોફીની વાત હોય કે પછી સેન્સેક્સની જેમ હુંયે ઊંચે ચઢું કદી મારોયે ભાવ તો લગાવો… જેવી આધુનિક્તાની રમૂજભરી શૈલિ હોય, ઓલ રાઉન્ડર જેવી ઇફેક્ટીવ ઇમેજ એ ક્રિએટ કરી શકે છે. ડિપ્રેશન, બપોર, ભેરુ, ધૂમ્રવલય, અંધારું, એક સમસ્યા, જેવા શિર્ષકથી રચાયેલા ગદ્યકાવ્યો પણ આ સંગ્રહની વિશેષતા છે અને  તમને બીજું શું કહું રમેશ પારેખ? નામના ગદ્યકાવ્યમાં એક કવિ, કવિને કેટલું ચાહતો હોય છે એની ઉત્તમોત્તમ ભાવોભિવ્યક્તિ સરજીને આ કવિ જાણે ર.પા.ને સ્મરાંજલિ આપે છે અને કવિ તરીકેનું ઋણ અદા કરે છે.

        સાંપ્રત સમયમાં એક પીછું હવામાં તરે છે  – કાવ્યસંગ્રહ, પોતાની એક નોખી મૂદ્રા ઉપસાવે એવો સંગ્રહ છે. આ કવિને અઢળક શુભેચ્છાઓ. અને હજી ભવિષ્યમાં એમની પાસેથી બળકટ રચનાઓ મળતી રહે તેવી આશા સાથે અસ્તુ.