વરસાદ પછીનો ઉઘાડ

Archive for the ‘ગીત’ Category

પ્હાડ ધ્યાન ધરીને બેઠા
બુધ્ધ નામના સપના જાણે સ્હેજ વરીને બેઠા
પથ્થર જેવા પથ્થર થઈને પિગળવાનું આવ્યું
ઝરણાઓને તરછોડ્યા તો સાંભળવાનું આવ્યું
ખુદને એવો સવાલ પૂછે – શું કરીને બેઠા ?

 પ્હાડ ધ્યાન ધરીને બેઠા

આંખોમાં અવકાશ સદીનું સ્તબ્ધ બની  ઝાંકે છે
એવું લાગે વૃધ્ધ બિચારો છાપાઓ વાંચે છે
કંઇ આવ્યું નહિ  લખચોર્યાશી ફરી ફરી ને બેઠા

પ્હાડ ધ્યાન ધરીને બેઠા

હરિ કરે અધીરા
શબદ બધાએ બને ભજન ને અંગ અંગ મંજીરા


હડી મેલતી ભાગુ ફળીએ નૈં સે’જે સંભાળ
ફળિયું ચડતું ઠેબે મૂઈ હું એને ભાંડુ ગાળ

નજર પડે જે ઠેકાણા પર બસ એની તસવીરા
હરિ કરે અધીરા

શ્વાસ શ્વાસમાં રેલાતું રે હરિ તમારું નામ
જરીક ઊંચકુ પાંપણ ત્યાં તો સામે ચારે ધામ

અલખ ધણી હો જેનો એને શું સુખ દુ;ખ શું પીરા
હરિ કરે અધીરા

પીધાં અક્ષર ઢાઈ મેં તો પીધાં અક્ષર ઢાઈ
ભીડ ચૂભે છે કાંટા થઇને સતત ચહુ તનહાઇ

જનમ જનમની પ્રીત પિયાસી મૌન મૌનમાં ગાતી
અધર ઉપર ઉઘડ્યા છે હરિવર મહેક મહેક હું થાતી

પરમ પદારથ પામી હું તો બજુ થઈને શહેનાઈ
પીધાં અક્ષર ઢાઈ

નજર ભરીને ઘડી ઘડીએ નિરખુ તમને શ્યામ
તમ હોંઠો પર હું બંસી થઉં પછી અજબ આરામ

जहा कहो वहा चलेंगे अब तो मैं तुम्हरी परछाई
પીધાં અક્ષર ઢાઈઓશિકે આશાના તોરણિયા ટાંગીને રાતોને મારી મહેકાવી ગયું

કોઇ મીઠ્ઠા ઉજાગરાઓ વાવી ગયું

મોંઘેરા સાજણને કેમ કરી ચૂમવો એ ઓઢણીને રાત-દિન સમજાવે દાંત
ઓઢેલી ચાદરને હળવેથી કહેતી કે પડખું ફર્યાનો મને લાગે રે થાક

સત્તરમે પ્હોચેલાં નટખટડાં મનડાંના આંગણાને કોઇ અજવાળી ગયું

ઓશિકે આશાના તોરણિયા ટાંગીને રાતોને મારી મહેકાવી ગયું
કોઇ મીઠ્ઠા ઉજાગરાઓ વાવી ગયું

ચાદરને ફંગોળી ઊભી થૈ જાઉં મારા મનડાંને પડતું ના સ્હેજે પણ ચેન
દોડી ઝરૂખડે આવીને નિરખું તો ચાંદનીનું ચડતું રે ધીમેરું ઘેન

અંબોડે રોજ રોજ મનગમતી વેણીઓ મૂકવાનું આપણને ફાવી ગયું

ઓશિકે આશાના તોરણિયા ટાંગીને રાતોને મારી મહેકાવી ગયું
કોઇ મીઠ્ઠા ઉજાગરાઓ વાવી ગયું

તારી જો કોઇ ટપાલ આવે
શેરી શેરી આંગણ આંગણ રેશમવરણું વહાલ આવે

તારી જો કોઇ ટપાલ આવે

ડેલી ઊપર ટાંગેલા આ પોસ્ટ-બોક્ષને કૂંપળ ફૂંટે
તારા અક્ષર જાણે વાદળ હેલી થઈને માઝાં મૂકે

ભીનેરી એ ક્ષણમાં ન્હાવા બાળક જેવી ધમાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે

આંખ ઉમળકો લઇને ઘૂમે ; મન પણ ભીતર ભીતર ઝૂમે
‘પ્રિયે’ લખેલાં એક શબ્દને ઊંગલિ હજાર વેળા ચૂમે

નાજુક નમણાં હોંઠે જાણે ગમતો કોઈ સવાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે

એને કહિ દ્યો કે આવે નૈં યાદ
વિતેલી યાદોના પહાડ ચડીને મારે સાંભળવો નથી કોઈ સાદ

એને કહિ દ્યો કે આવે નૈં યાદ

પગલાઓ ભૂંસીને ચાલ્યા કરું છું હવે અધકચરા જિવતરની રેતમાં
અણધાર્યા શ્વાસોને ક્રોસ ઉપર ટાંગીને ઊભો છું ઈસુ – સંકેતમાં

પુરાતત્વવિદોને સાથે લૈ શોધું છું દટ્ટાયેલ હાસ્ય એકાદ
એને કહિ દ્યો કે આવે નૈં યાદ

ઇચ્છાના રસ્તા તો લંબાતા જાય અને વૃધ્ધ મારી આંખોમાં થાક
પાંગરતા પાંગરતા લાગી ગૈ પાનખર ને લાગણીઓ થૈ ગૈ છે રાખ

ઓચિંતા વાદળ બંધાય મારી આંખમાં ને ગાલ ઉપર વરસે વરસાદ
એને કહિ દ્યો કે આવે નૈં યાદ

ટૅગ્સ:


  • નથી